Thu Dec 18 2025

Logo

White Logo

મહિને બે ટકા વ્યાજ અને ફ્લૅટની લાલચે : છેતરનારા બિલ્ડર પિતા-પુત્રની ધરપકડ

2 weeks ago
Author: Yogesh C Patel
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહિને બે ટકા વ્યાજ અને બોરીવલીના પ્રોજેક્ટમાં ફ્લૅટ આપવાની લાલચે રોકાણકારો પાસેથી નાણાં પડાવ્યા પછી કથિત છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે બિલ્ડર પિતા-પુત્રની કેરળમાં ધરપકડ કરી હતી. આરોપીઓ વિરુદ્ધ 10થી વધુ ગુના નોંધાયેલા હોવાથી છેલ્લાં બે વર્ષથી અલગ અલગ રાજ્યોમાં ઓળખ બદલીને રહેતા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

કસ્તુરબા માર્ગ પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ અશોક અરવિંદભાઈ જેઠવા અને મિહિર અશોક જેઠવા તરીકે થઈ હતી. બન્નેને કેરળના કોચી શહેરમાંથી તાબામાં લેવાયા હતા.

બોરીવલી પૂર્વમાં રહેતા નવીનચંદ્ર ભરખડા (69)એ નોંધાવેલી ફરિયાદને આધારે કસ્તુરબા માર્ગ પોલીસે આ મામલે એપ્રિલ, 2025માં અશોક જેઠવા અને મિહિર જેઠવા તેમ જ તેમની પત્ની કવિતા અને રિશીના જેઠવા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર ભરખડા એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરતા હોવાથી જેઠવા બિલ્ડર સાથે તેની ઓળખ હતી. પોતાના પ્રોજેક્ટમાં રોકાણ કરવા પર મહિને બે ટકા વ્યાજની લાલચ આરોપીએ આપી હતી. એ સિવાય બોરીવલીના કુલુપવાડી ખાતેના પ્રોજેક્ટમાં ફ્લૅટ આપવાની પણ ખાતરી આપી હતી.

આરોપીના કહેવાથી ફરિયાદીએ 1.17 કરોડ રૂપિયા પ્રોજેક્ટમાં રોક્યા હતા. શરૂઆતમાં બધું બરાબર ચાલતું હતું, પણ પછી આરોપીએ ઉડાઉ જવાબ આપવા માંડ્યા હતા. ફરિયાદીને વ્યાજ તો ઠીક મૂળ રકમ પણ પાછી આપવામાં આવી નહોતી. માર્ચ, 2019થી માર્ચ, 2020 દરમિયાન ફરિયાદી સાથે આ કથિત છેતરપિંડી થઈ હતી. આરોપીઓએ આ રીતે અનેક લોકોને છેતર્યા હોવાનું જાણવા મળ્યું હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ગુનો નોંધાયા પછી પોલીસે આરોપીઓની શોધ હાથ ધરી હતી. જોકે આરોપી તેમના બોરીવલી સ્થિત નિવાસસ્થાને મળ્યા નહોતા. છેલ્લાં બે વર્ષથી આરોપી ગુજરાત, દમણ, મહારાષ્ટ્ર, તમિળનાડુ, ચેન્નઈ, કેરળ સહિત અન્ય ઠેકાણે પોતાની ઓળખ છુપાવી રહેતા હોવાનું તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું.

દરમિયાન પિતા-પુત્ર હાલમાં કેરળ રાજ્યમાં હોવાની માહિતી મળતાં પોલીસની એક ટીમ ત્યાં રવાના થઈ હતી. સ્થાનિક પોલીસની મદદથી બન્નેને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની વિરુદ્ધ બોરીવલી, એમએચબી અને કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનમાં 10 ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.