Thu Dec 18 2025

Logo

White Logo

ભારતીય હૉકી ટીમે : છેલ્લી 11 મિનિટમાં ચાર ગોલ કરીને જીતી લીધો વર્લ્ડ કપનો બ્રૉન્ઝ

1 week ago
Author: Ajay Motiwala
Video

ચેન્નઈઃ ભારતે અહીં બુધવારે હૉકી (Hockey)માં એફઆઇએચ મેન્સ જુનિયર વર્લ્ડ કપની મૅચમાં આર્જેન્ટિનાને 4-2થી હરાવીને બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો. ખાસ વાત એ છે કે ભારતીય (India) ટીમ મૅચના મોટા ભાગના સમયમાં 0-2થી પાછળ હતી, પણ છેલ્લી 11 મિનિટમાં ભારતીય ખેલાડીઓએ જબરદસ્ત કમબૅક કરીને ઉપરાઉપરી ચાર ગોલ (Goal) કરીને રોમાંચક અને હૉકીના ઇતિહાસમાં સૌથી એક્સાઇટિંગ મૅચોમાં ગણાશે એવા મુકાબલામાં વિજય મેળવી લીધો હતો.

ભારતના ગોલકીપિંગ લેજન્ડ અને વર્તમાન ટીમના ચીફ કોચ પી. આર. શ્રીજેશે ભારતીય ટીમ પર પ્રશંસા વરસાવતા કહ્યું હતું કે 0-2થી પાછળ રહ્યા પછી છેલ્લી ગણતરીની મિનિટોમાં પાવરફુલ પર્ફોર્મન્સથી 4-2થી જીતી જવું એ મહાન સિદ્ધિ કહેવાય.

ભારત છેલ્લે 2016માં આ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીત્યું હતું. ભારત સામે આર્જેન્ટિનાની ટીમ ચડિયાતી લાગતી હતી, પરંતુ એને ત્રણ ક્વૉર્ટર બાદ આંચકા પર આંચકા આપીને ભારતીય ટીમે સૌને ચોંકાવી દીધા હતા.

ભારત વતી જે ચાર પ્લેયરે એક-એક ગોલ કર્યો એની યાદી આ મુજબ છેઃ અંકિત પાલ (49મી મિનિટ), મનમીત સિંહ (બાવનમી મિનિટ), શારદા નંદ તિવારી (57મી મિનિટ) અને અનમોલ એક્કા (58મી મિનિટ).