Thu Dec 18 2025

Logo

White Logo

લગ્ન મોકૂફ રહ્યા પછીની સ્મૃતિ મંધાનાની પ્રથમ પોસ્ટઃ : આંગળીમાં એન્ગેજમેન્ટ રિંગ...

1 week ago
Author: Ajay Motiwala
Video

મુંબઈઃ ભારતની વર્લ્ડ ચૅમ્પિયન મહિલા ક્રિકેટ ટીમની વાઇસ-કૅપ્ટન અને વિમેન્સ ક્રિકેટની ટોચની ઓપનર્સમાં ગણાતી સ્મૃતિ મંધાનાએ 23મી નવેમ્બરે મ્યૂઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ સાથેના લગ્ન મોકૂફ રાખ્યા ત્યાર પછી પોતાના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર પહેલી પોસ્ટ મૂકી છે જેમાં તેની આંગળી પર એન્ગેજમેન્ટ રિંગ નથી દેખાતી.

ઉલ્લેખનીય છે કે રવિવાર, 23મી નવેમ્બરના લગ્નના બે દિવસ અગાઉ સ્મૃતિનો વીડિયો વાઇરલ થયો હતો જેમાં તે સાથી ખેલાડીઓ જેમિમા રૉડ્રિગ્સ, રાધા યાદવ વગેરે સાથે ડાન્સ કરી રહેલી જોવા મળી હતી અને ડાન્સ કરતી વખતે તેણે આંગળી પરની એન્ગેજમેન્ટ રિંગ પણ બતાવી હતી. જોકે એ રિંગ હવે તેની આંગળી પર નથી જોવા મળી.

સ્મૃતિની લેટેસ્ટ પોસ્ટ એક જાણીતી ટૂથપેસ્ટ બૅ્રન્ડ સાથેની પેઇડ પાર્ટનરશિપના ભાગરૂપે હતી, પણ એમાં સ્મૃતિના ફોટો તથા વીડિયોમાં તેની આંગળી પર રિંગ (Ring) ન જોવા મળી એટલે તેના કેટલાક ચાહકોએ ખાસ કરીને એ બાબતને મીડિયામાં ચમકાવી છે. જોકે આ ઍડ (Ad)નું શૂટિંગ પલાશ સાથેની તેની સગાઈ પહેલાં કરવામાં આવ્યું હતું કે પછી એ સ્પષ્ટ નહોતું થયું. જે પણ હોય, આ પોસ્ટ મીડિયામાં જબરદસ્ત વાઇરલ થઈ છે.

ઉલ્લેખનીય છે કે સ્મૃતિ (Smriti)એ ગયા રવિવાર પહેલાં જ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ પરથી પલાશ સાથેના લગ્નને લગતી તમામ પોસ્ટ અને ફોટો ડીલીટ કરી નાખ્યા હતા. બન્ને પરિવાર તરફથી માત્ર એટલી જ જાણ કરાઈ છે કે સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયત બગડી ગઈ હોવાથી લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે. જોકે પલાશ સાથેની કોરિયોગ્રાફર મૅરી ડિકોસ્ટની કેટલીક વિવાદાસ્પદ અને રૉમેન્ટિક ચૅટ બહાર આવતાં સ્મૃતિએ પલાશ સાથેના લગ્ન મોકૂફ રાખ્યા હોવાની જોરદાર ચર્ચા છે. સ્મૃતિની ગાઢ મિત્ર જેમિમા રૉડ્રિગ્સે સ્મૃતિની પડખે રહેવા ઑસ્ટ્રેલિયાની બિગ બૅશમાં રમવા જવાનું માંડી વાળ્યું છે.