Thu Dec 18 2025

Logo

White Logo

બાળકીની હત્યાના કેસમાં મહિલા નિર્દોષ, : પણ પુરાવાના નાશ બદલ ત્રણ વર્ષની કેદ

1 week ago
Author: Yogesh C Patel
Video

થાણે: ભાયંદરમાં 2019ના નવ વર્ષની બાળકીની હત્યાના કેસમાં થાણે સેશન્સ કોર્ટે મહિલાને નિર્દોષ જાહેર કરી હતી, પરંતુ બાળકીના મૃત્યુ સંબંધી પુરાવાનો નાશ કરવા બદલ તેને અને સહઆરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
બાળકીનો મૃતદેહ કોહવાયેલી અવસ્થામાં મળી આવ્યો હોવાથી બાળકીના મૃત્યુના કારણ વિશે પોસ્ટમોર્ટમના અહેવાલમાં કોઈ સ્પષ્ટતા નથી. પરિણામે બાળકી કઈ રીતે મૃત્યુ પામી તે તપાસકર્તા પક્ષ સિદ્ધ કરી શક્યો નથી, એવું એડિશનલ સેશન્સ જજ એ. એસ. ભાગવતે ચુકાદામાં જણાવ્યું હતું.

ભણાવવાને બહાને બાળકીને છત્રપતિ સંભાજીનગરથી આરોપી અનીતા રાઠોડ (40) અને હવે મૃત્યુ પામેલા તેના પતિ પ્રકાશ રાઠોડના ભાયંદરના ઉત્તન ખાતેના ઘરે લાવવામાં આવી હતી. પ્રકાશ રાઠોડ બાળકીની માતાનો સગો થતો હતો, જેણે આ કેસમાં ફરિયાદ નોંધાવી હતી.

તપાસકર્તા પક્ષે આરોપ કર્યો હતો કે દંપતી ઘરનાં કામો કરવા માટે બાળકી પર દબાણ કરતું હતું અને તે યોગ્ય રીતે કામ કરતી ન હોવાથી તેમ જ કપડામાં શૌચ કરવા પ્રકરણે દંપતી ગુસ્સે ભરાયું હતું. આ જ કારણસર ગળું દબાવીને બાળકીની હત્યા કરવામાં આવી હતી.

આ કેસમાં કોર્ટમાં આરોપનામું દાખલ થવા પહેલાં જ પ્રકાશ રાઠોડે આત્મહત્યા કરી હતી.

કોર્ટે જણાવ્યું હતું કે તપાસકર્તા પક્ષ અનીતા વિરુદ્ધ હત્યા અને જુવેનાઈલ જસ્ટિસ ઍક્ટ હેઠળના આરોપ સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયો છે. ઘટનાને જોનારો કોઈ સાક્ષીદાર ન હોવાનું પણ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું.

બાળકી પર ત્રાસ ગુજારાતો હોવા અંગેના પુરાવાર અવિશ્ર્વસનીય હોવાનું કોર્ટે જણાવ્યું હતું. ખાસ કરીને બાળકીની મારપીટ સમયે સાક્ષીદાર હાજર નહોતા, એવી નોંધ કરી હતી. વળી, બાળકી પર હુમલો, શોષણ, માનસિક કે શારીરિક ત્રાસ અપાયો હોય એવા કોઈ પુરાવા રેકોર્ડ પર લવાયા ન હોવાનું કોર્ટે જણાવ્યું હતું.

આવી નોંધ સાથે કોર્ટે અનીતાને હત્યાના આરોપમાં નિર્દોષ જાહેર કરી હતી, પરંતુ તેને અને સહઆરોપી આકાશ સોપાન ચવાણ (31)ને ભારતીય દંડ સંહિતાની કલમ 201 (પુરાવા નષ્ટ કરવા) અને 34 (ગુનાનો સમાન હેતુ) હેઠળ કસૂરવાર ઠેરવ્યાં હતાં.