Thu Dec 18 2025

Logo

White Logo

topNews

રાજકોટ અગ્નિકાંડની યાદ અપાવે તેવી દુર્ઘટના: : ગોવાના નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ ભીષણ આગમાં 23ના મોત

1 week ago
Author: Devayat Khatana
Video

tragedy


પણજી: આજથી લગભગ દોઢેક વર્ષ પહેલા તારીખ 25 મે, 2024ના રોજ રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડના ઘાવ હજુ પણ રૂઝાયા નથી ત્યારે વધુ એક અગ્નિકાંડની ઘટના ગોવામાં સર્જાય હતી. ગોવાના એક નાઈટ ક્લબમાં મોડી રાતે એક મોટી દુર્ઘટના સર્જાય હતી. અરપોરા ગામના એક નાઈટ ક્લબમાં મોડી રાતે લગભગ 1 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી, જેમાં લગભગ 23 જેટલા લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં 3 મહિલાઓ અને 20 પુરુષોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટના પર ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું હતું. 

મળતી વિગતો અનુસાર, ગોવાના ઉત્તરીય ભાગમાં આવેલા આરપોરા સ્થિત બિર્ચ બાય રોમિયો લેન ક્લબમાં શનિવારની મોડી રાત્રે લગભગ 12:04 વાગ્યે એક ભીષણ અગ્નિકાંડ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 23 લોકોનાં કરુણ મૃત્યુ થયા છે. મૃતકોમાં ત્રણ મહિલા અને 20 પુરુષોનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામનાર પૈકી મોટાભાગના લોકો ક્લબના કર્મચારીઓ હોવાનું માનવામાં આવે છે. આ દુર્ઘટનાનું સંભવિત કારણ સિલિન્ડર વિસ્ફોટ હોવાનું પ્રાથમિક તારણ છે, જેને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આરપોરામાં બનેલા ભીષણ અગ્નિકાંડ બાદ ગોવાના મુખ્ય પ્રધાને આ ઘટનાને સમગ્ર રાજ્ય માટે અત્યંત પીડાદાયક દિવસ ગણાવ્યો હતો. 23 લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કરતાં તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદનાઓ પાઠવી હતી. મુખ્ય પ્રધાને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા. આ તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ, તેમજ અગ્નિ સુરક્ષાના નિયમો અને બિલ્ડિંગના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ, તેની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે જે લોકો જવાબદાર જણાશે, તેમની સામે કાયદા મુજબ સૌથી કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની બેદરકારીને સખત રીતે દબાવી દેવામાં આવશે.

આ દુર્ઘટના અંગે વડા પ્રધાન મોદીએ ટ્વીટર પર પોતાની સંવેદના વ્યકત કરી હતી, તેમણે લખ્યું, "ગોવાના આરપોરામાં બનેલી આગની દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. મારા વિચારો એ બધા લોકો સાથે છે, જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઇજાગ્રસ્તો વહેલી તકે સાજા થાય તેવી પ્રાર્થના. પરિસ્થિતિ અંગે ગોવાના મુખ્ય પ્રધાન ડૉ. પ્રમોદ સાવંત સાથે વાત કરી. રાજ્ય સરકાર અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ પૂરી પાડી રહી છે."