Thu Dec 18 2025

Logo

White Logo

ગૅન્ગસ્ટર ઘાયવળના સાગરીતે પુણેની : ફૅક્ટરીમાંથી 400 કારતૂસ ખરીદી હતી

2 weeks ago
Author: yogesh c patel
Video

પુણે: પુણેના ભાગેડુ ગૅન્ગસ્ટર નીલેશ ઘાયવળની ગૅન્ગના કથિત સભ્યએ બોગસ દસ્તાવેજને આધારે ઘાતક શસ્ત્રોનું લાઈસન્સ પ્રાપ્ત કરીને તેની મદદથી પુણેના દારૂગોળાના કારખાનામાંથી 400 કારતૂસ ખરીદી હતી, જેને પગલે પોલીસે તપાસની ગતિ વધારી દીધી હોવાનું વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસે ઘાયવળના સાગરીત અજય સરવદેની સોમવારે ધરપકડ કરી હતી. ગયા મહિને પુણેના કોથરુડ વિસ્તારમાં બનેલી ઘટનામાં સરવદેની કથિત સંડોવણી સામે આવી હતી. એ ઘટનામાં ઘાયવળ ગૅન્ગના કથિત સભ્યોએ એક યુવાનને ગોળીએ દીધો હતો.

દેશબહાર ફરાર થઈ ગયેલો ગૅન્ગસ્ટર ઘાયવળ હાલમાં યુકેમાં હોવાનું માનવામાં આવે છે. ઝોન-3ના ડેપ્યુટી પોલીસ કમિશનર સંભાજી કદમે જણાવ્યું હતું કે સરવદે સાથે ઘાયવળના અન્ય એક સાથીની કર્ણાટકમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સરવદેના કોથરુડ ખાતેના ઘરમાં સર્ચ હાથ ધરવામાં આવતાં 400 કારતૂસ મળી આવી હતી, જેમાં ઉપયોગ કરાયેલી કારતૂસોનો પણ સમાવેશ થાય છે.

પુરાવા દર્શાવે છે કે સરવદેએ અમુક કારતૂસો ટાર્ગેટ પ્રેક્ટિસ માટે ઘાયવળને પૂરી પાડી હતી. અમારાં તારણો સૂચવે છે કે આમાંથી 150 ગોળી ઘાયવળને આ વર્ષે અહિલ્યાનગર જિલ્લામાંના તેના વતનમાં હાથ ધરાયેલી તાલીમ કવાયતો માટે તેને આપવામાં આવી હતી, એમ કદમે જણાવ્યું હતું. 

સરવદેએ પોતાના રહેઠાણના પુરાવાના દસ્તાવેજોમાં ચેડાં કરીને શસ્ત્રોનું લાઈસન્સ પ્રાપ્ત કર્યું હતું, એવું તપાસમાં સામે આવ્યું હતું. આ જ લાઈસન્સને આધારે પુણેના ખડકી વિસ્તારમાં આવેલા કારખાનામાંથી 400 બૂલેટ્સ ખરીદવામાં આવી હતી. આ કારખાનામાંથી સામાન્ય નાગરિકો લાઈન્સને આધારે શસ્ત્રો ખરીદી શકે છે.

ઘાયવળ વિરુદ્ધ પચીસથી વધુ ગુના નોંધાયેલા છે, જેમાંથી 10 ગુના તો આ વર્ષે 17 સપ્ટેમ્બર સુધીમાં નોંધાયા છે. પ્રશાસન દ્વારા તેની વિરુદ્ધ લૂક આઉટ સર્ક્યુલર ઇશ્યુ કરાયું હતું અને ઈન્ટરપોલ થકી બ્લુ કૉર્નર નોટિસ પણ પ્રાપ્ત કરાઈ હતી. ઘાયવળ ગૅન્ગ હત્યા, હત્યાનો પ્રયાસ અને ખંડણી જેવા અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલી હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)