Thu Dec 18 2025

Logo

White Logo

ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તણાવઃ : વિદેશ મંત્રાલયે કહ્યું - ભારતની ધરતીનો ઉપયોગ બાંગ્લાદેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે ક્યારેય થયો નથી…

4 days ago
Author: Tejas
Video

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી તણાવ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર દ્વારા ભારત પર લગાવવામાં આવેલા ગંભીર આરોપોને ભારતે ફગાવ્યા હતા. ભારત સરકારે સત્તાવાર રીતે એ આરોપોને કડક શબ્દોમાં રદિયો આપ્યો હતો.

વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકાર દ્વારા કરવામાં આવેલા દાવા પાયાવિહોણા છે. ભારતે હંમેશાં પાડોશી દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવાની નીતિ અપનાવી છે અને વર્તમાન પરિસ્થિતિમાં પણ ભારત પોતાનું વલણ સ્પષ્ટ કરી રહ્યું છે.

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારતીય હાઈ કમિશનરને બોલાવીને પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના નિવેદનો સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. બાંગ્લાદેશની યુનુસ સરકારનો એવો આક્ષેપ છે કે શેખ હસીના ભારતમાં રહીને બાંગ્લાદેશમાં હિંસા ભડકાવવાના પ્રયાસો કરી રહ્યા છે અને ભારતની ધરતીનો ઉપયોગ બાંગ્લાદેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે થઈ રહ્યો છે. આજે બાંગ્લાદેશ દ્વારા જારી કરવામાં આવેલા પ્રેસ નોટમાં આ મુદ્દે ભારત પર નિશાન સાધવામાં આવ્યું હતું, જેના જવાબમાં ભારતે આકરું વલણ અપનાવ્યું હતું.

ભારતીય વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે ભારતે ક્યારેય પોતાની જમીનનો ઉપયોગ બાંગ્લાદેશના હિતોની વિરુદ્ધ કોઈ પણ પ્રવૃત્તિ માટે કરી નથી અને ભવિષ્યમાં પણ કરશે નહીં." ભારતે હંમેશાં બાંગ્લાદેશમાં લોકશાહીની પ્રક્રિયા મજબૂત બને તેવું ઈચ્છ્યું છે. ભારત ઈચ્છે છે કે બાંગ્લાદેશમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને સર્વસમાવેશક ચૂંટણીઓ યોજાય, જેથી ત્યાં ફરીથી સ્થિરતા અને શાંતિ સ્થપાઈ શકે. ભારતે આ આરોપોને સદંતર નકારી કાઢીને પાડોશી દેશને અરીસો બતાવ્યો છે.

પોતાના પક્ષની રજૂઆત કરવાની સાથે ભારતે બાંગ્લાદેશની વચગાળાની સરકારને મહત્વની સલાહ પણ આપી છે. વિદેશ મંત્રાલયે અનુરોધ કર્યો છે કે બાંગ્લાદેશે પોતાના દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણીઓ સંપન્ન થાય તે માટે જરૂરી તમામ પગલાં લેવા જોઈએ. ભારત બાંગ્લાદેશના જનતાના હિતમાં છે અને તે ઈચ્છે છે કે ત્યાં કોઈ પણ પ્રકારની અરાજકતા ફેલાય નહીં.