Thu Dec 18 2025

Logo

White Logo

ઝઘડામાં સમાધાન કરાવનારા યુવાનની હત્યા : ઝઘડામાં સમાધાન કરાવનારા યુવાનની હત્યા: બેની ધરપકડ

2 weeks ago
Author: યોગેશ સી પટેલ
Video

થાણે: વ્યંડળો સાથેના ઝઘડામાં સમાધાન કરાવનારા યુવાનની કથિત હત્યા કરવામાં આવી હોવાની નવી મુંબઈમાં બનેલી ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી.
કળંબોલી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અવિનાશ કાલદાતેએ જણાવ્યું હતું કે પનવેલમાં રહેતા રત્નેશકુમાર રાજકુમાર જયસ્વાલ (37)નો મૃતદેહ સોમવારની વહેલી સવારે કળંબોલી સર્કલ નજીકથી મળી આવ્યો હતો. સ્કૂટર પર આવેલા બે શખસે જયસ્વાલની હત્યા કરી હોવાની માહિતી પોલીસને મળી હતી.

મળેલી માહિતી અને સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે પોલીસે સ્કૂટરની ઓળખ મેળવી હતી. તપાસ દરમિયાન પોલીસે સ્કૂટર શોધી કાઢ્યું હતું અને બે આરોપી મોહમ્મદ ચાંદ શબ્બીર શેખ (25) અને જૈફ ઝમીલ ઈલિયાસ શેખ (25)ને તાબામાં લીધા હતા. ચાંદ ખાનગી કંપનીમાં નોકરી કરે છે તો જૈફ માંસ વેચનારો છે. બન્નેની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી.

પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે જયસ્વાલની હત્યાના થોડા સમય પહેલાં કળંબોલી સ્ટીલ માર્કેટ સર્વિસ રોડ ખાતે આરોપીનો વ્યંડળો સાથે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. તે સમયે જયસ્વાલ તેના મિત્રો સાથે ત્યાં આવ્યો હતો અને વિવાદમાં મધ્યસ્થી કરી સમાધાન કરાવ્યું હતું.

સમાધાન કરાવવા બદલ આરોપી જયસ્વાલ પર રોષે ભરાયો હતો. આ વાતનો બદલો લેવાની ભાવનાથી આરોપીઓએ જયસ્વાલને ઢોરમાર માર્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ કેસમાં પ્રાથમિક માહિતીને આધારે પોલીસ 24 કલાકમાં જ આરોપી સુધી પહોંચી હતી. (પીટીઆઈ)