Thu Dec 18 2025

Logo

White Logo

કેન્દ્રીય માહિતી પંચને લઈને : રાહુલ ગાંધીનો દાવો અને સત્ય

1 week ago
Author: Himanshu Chawda
Video

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાનના કાર્યાલયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે બેઠક કરી હતી. આ બેઠક લગભગ 88 મિનિટ સુધી ચાલી હતી. આ બેઠકમાં ખાલી પડેલી જગ્યા પર ભરવાની ભલામણ કરી હતી. કેન્દ્રીય માહિતી પંચમાં હાલ મુખ્ય માહિતી કમિશનર સહિત આઠ જગ્યા ખાલી છે. આ જગ્યાની ભરતી કરવા માટે પેનલમાં વડા પ્રધાન, એક વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીની સાથે વિરોધ પક્ષના નેતાનો પણ સમાવેશ થાય છે. જોકે, રાહુલ ગાંધીએ લોકસભામાં આ આઠ ખાલી જગ્યાની પૂરતી થાય એ પહેલા એક મોટો દાવો કર્યો હતો, પરંતુ આ દાવો ઊંધો પડી શકે છે.

રાહુલ ગાંધીએ કેવો દાવો કર્યો?

કેન્દ્રીય માહિતી પંચમાં મુખ્ય કમિનર તથા સભ્યોની નિમણૂકને લઈને રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, કેન્દ્રીય માહિતી પંચમાં OBC, SC-ST કેટેગરીના લોકોને તક મળતી નથી. કેન્દ્રીય માહિતી પંચમાં થતી નિમણૂકોમાં દેશના 90 ટકા લોકો એટલે કે દલીત, આદિવાસી, OBC અને લઘુમતીઓને બાકાત રાખે છે. જોકે, કેન્દ્રીય માહિતી પંચમાં કમિશનર અને બાકીના સભ્યોની નિમણૂક માટે એક પેનલ હોય છે, જેમાં વડા પ્રધાન, એક સીનિયર કેન્દ્રીય પ્રધાન અને લોકસભાના વિપક્ષના નેતા પણ હોય છે. આ પેનલની બેઠકમાં રાહુલ ગાંધીએ વિપક્ષના નેતા તરીકે ઉપરોક્ત ફરિયાદ કરી હતી.

રાહુલ ગાંધીનો દાવો ખોટો પડ્યો

જોકે, કેન્દ્રીય માહિતી પંચમાં નિમણૂકને લઈને કરેલી ફરિયાદમાં રાહુલ ગાંધીનું હોમવર્ક કાચું પડતું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે 2005માં કેન્દ્રીય માહિતી પંચ (CIC)ની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી લઈને 2014 સુધી યુપીએની સરકાર હતી, પરંતુ યુપીએની સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન કેન્દ્રીય માહિતી પંચમાં SC-ST કેટેગરીની વ્યક્તિને કમિશનર તો શું સભ્ય પણ બનાવી નહોતી, પરંતુ 2014 પછી આ બાબતે નોંધપાત્ર કામ થયું છે.

2014 બાદ થઈ નોંધપાત્ર કામગીરી

2018માં એનડીએની સરકારે ST કેટેગરીના સુરેશ ચંદ્રાને કેન્દ્રીય માહિતી પંચના સભ્ય બનાવ્યા હતા ત્યાર બાદ 2020માં SC કેટેગરીના હીરાલાલ સમારિયાને કેન્દ્રીય માહિતી પંચના કમિશનર બનાવવામાં આવ્યા હતા. આગળ જતા 2023માં હીરાલાલ સમારિયાને કેન્દ્રીય માહિતી પંચના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા. 

6 જુદી જુદી કેટેગરીના નામની ભલામણ

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કેન્દ્રીય માહિતી પંચના કમિશનર અને સભ્યો સહિતની કુલ 8 ખાલી જગ્યાઓની નિમણૂક માટે એક બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્ર સરકારે આઠ પૈકીની છ જગ્યા માટે એક SC, એક ST, એક OBC, એક લઘુમતી અને એક મહિલાના નામની પણ ભલામણ કરી હતી, જેથી રાહુલ ગાંધીના દાવા પાયા વિહોણા છે.