Thu Dec 18 2025

Logo

White Logo

'ધુરંધર'ના જમીલ જમાલી ઉર્ફે : રાકેશ બેદીને કેમ મળી હતી જાનથી મારી નાખવાની ધમકી?

4 days ago
Author: Mumbai Samachar Team
Video

મુંબઈ: બોક્સઓફિસ પર ધૂમ મચાવી રહેલી રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'ધુરંધર'માં દરેક કલાકારના અભિનયના વખાણ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મની સ્ટોરીથી લઈને તમામ કલાકારો અને ગીતો પણ. જોકે, આ ફિલ્મમાં 'જમીલ જમાલી'નું પાત્ર ભજવીને વરિષ્ઠ અભિનેતા રાકેશ બેદીએ ચાહકોના દિલ પણ જીતી લીધા છે. ફિલ્મની સફળતા વચ્ચે રાકેશ બેદીએ હિન્દી સિનેમામાં પોતાના દાયકાઓ લાંબા અનુભવો શેર કર્યા છે. તેણે એક એવા સમયને યાદ કર્યો જ્યારે એક ફિલ્મમાં તેમના પાત્રના કારણે લોકો એટલા ઉશ્કેરાઈ ગયા હતા કે તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી હતી.

રાકેશ બેદીએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, વર્ષો પહેલા રિલીઝ થયેલી કમલ હાસન અને રતિ અગ્નિહોત્રીની સુપરહિટ ફિલ્મ 'એક દૂજે કે લિયે' તેના માટે મુસીબત બની ગઈ હતી. આ ફિલ્મમાં રાકેશ બેદીનું પાત્ર હીરો-હીરોઈન વચ્ચે ગેરસમજ ઊભી કરે છે, જેના અંતે બંને પ્રેમીઓ મૃત્યુ પામે છે. ફિલ્મનો અંત જોઈને પ્રેક્ષકો એટલા ભાવુક થઈ ગયા કે તેઓ રાકેશ બેદીને સાચો વિલન માનવા લાગ્યા. પ્રેક્ષકોને લાગ્યું કે રાકેશના પાત્રને કારણે જ હીરો-હીરોઈન મર્યા છે, જેના લીધે તેને ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી હતી.

તેણે એ જૂના સમયને યાદ કરતા કહ્યું કે, એ જમાનામાં દર્શકોના મન પર કોઈ પણ ફિલ્મની ઊંડી અસર થતી હતી. લોકો પડદા પરની વાર્તાને હકીકત સમજી લેતા હતા. રાકેશ બેદીના મતે, આ પ્રકારનો ભાવનાત્મક ફેન્સ આજે ભાગ્યે જ જોવા મળે છે. જોકે, તેણે ઉમેર્યું કે 'ધુરંધર' ફિલ્મમાં પણ તેને એવો જ કંઈક જાદુ જોવા મળ્યો છે, જ્યાં દર્શકો ફિલ્મના પાત્રો સાથે અત્યંત નિકટતાથી જોડાઈ રહ્યા છે. આ ફિલ્મે ફરી એકવાર સિનેમાઘરોમાં પ્રેક્ષકોનો તે જૂનો ક્રેઝ પાછો લાવ્યો છે.

રાકેશ બેદીએ એવો પણ ઘટસ્ફોટ કર્યો કે 'ધુરંધર'માં તેને રોલ મળવો એટલો સરળ નહોતો. ફિલ્મમેકર્સ પર કોઈ મોટા અને જાણીતા અભિનેતાને લેવા માટે ભારે દબાણ કરવામાં આવ્યું હતું. કેટલાક લોકોએ તો ડાયરેક્ટર આદિત્ય ધરને સલાહ આપી હતી કે રાકેશ બેદીને બદલે કોઈ મોટું નામ લાવો. પરંતુ આદિત્ય ધર પોતાના નિર્ણય પર મક્કમ રહ્યા અને સ્પષ્ટ કહી દીધું કે આ પાત્રમાં જે ન્યાય રાકેશ બેદી આપી શકશે તે બીજું કોઈ નહીં આપી શકે. આજે ફિલ્મની સફળતાએ સાબિત કરી દીધું છે કે મેકર્સનો તે નિર્ણય એકદમ સાચો હતો.