Thu Dec 18 2025

Logo

White Logo

વાઇબ્રન્ટ ગુજરાતઃ  જામનગરની ૯ કંપનીઓ દ્વારા : રૂ.૫૭૧૬ કરોડની રકમના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા

5 days ago
Author: pooja shah
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
જામનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સની શૃંખલા અંતર્ગત રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના પ્રધાન અને જામનગર જિલ્લાના પ્રભારી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને લેઉઆ પટેલ સમાજ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને વિવિધ ૯ કંપનીઓ વચ્ચે રૂ. ૫૭૧૬ કરોડની રકમના એમ.ઓ.યુ. એક્સચેન્જ કરવામાં આવ્યા હતા. જેના થકી અંદાજે ૨૧૦૦ જેટલા લોકોને રોજગારી મળશે, તેમ રાજ્ય સરકારે જણાવ્યું હતું. 

કાર્યક્રમમાં પ્રભારી પ્રધાન અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ગુજરાતના વિકાસની દ્રષ્ટિ, આત્મનિર્ભરતાનો સંકલ્પ અને વિશ્વ સાથે સ્પર્ધા કરવાની શક્તિનું પ્રતીક છે. 

જામનગર જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ અનન્ય સ્થાન ધરાવે છે. બ્રાસ પાર્ટ ઉદ્યોગ હોય કે બાંધણી, રિફાઈનરી અને પેટ્રોકેમિકલ ક્ષેત્ર, બંદર આધારિત પ્રવૃત્તિઓ હોય કે પરંપરાગત કારીગરી  જામનગરે હંમેશા વિકાસના નવા આયામો સ્થાપ્યા છે. અહીંના ઉદ્યોગ સાહસિકોની મહેનત અને કુશળતાએ જામનગરને ‘બ્રાસ સિટી ઓફ ઈન્ડિયા’ તરીકે ઓળખ અપાવી છે.

ઉદ્યોગકારો સંપતિના સર્જકો અને દેશની પ્રગતિના મુખ્ય વાહકો પૈકીના એક છે. લોકોને રોજગારી આપવાનું કામ ઉદ્યોગકારો કરે છે. જામનગરમાં ઓઇલ રિફાઇનરી, બાંધણી અને બ્રાસપાર્ટના ઉદ્યોગો થકી હજારો લોકો રોજગારી મેળવી રહ્યા છે. જામનગરના ઉદ્યોગકારોએ ટેકનોલોજી અપગ્રેડેશન અને માર્કેટ રિસર્ચ સાથે આધુનિક ટેકનોલોજીને વ્યવસાયમાં અપનાવી છે. ગુજરાતને વૈશ્વિકફલક ઉપર ઓળખ અપાવવામાં વડાપ્રધાનશ્રી નત્રન્દ્રભાઈ મોદીનું મહત્વનું યોગદાન રહ્યું છે.  

 શહેરમાં પ્રધાનોની ઉપસ્થિતિમાં વી.જી.આર.સી.ની શૃંખલા અન્વયે જામનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કુલ ૯ કંપનીઓ દ્વારા રૂ. ૫૭૧૬ કરોડની રકમના એમ.ઓ.યુ.કરવામા આવ્યા હતા, જેનાથી અંદાજીત  બે હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળી શકશે.

પાવર, ઓઈલ અને ગેસ સેક્ટરમાં ઓપવીન્ડ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ(રૂ.૩૩૬૮ કરોડ), જામનગર રીન્યુએબલ્સ વન એન્ડ ટુ પ્રાઈવેટ લિમિટેડ (રૂ.૧૭૦૩ કરોડ), તથા સુઝલોન વેસ્ટર્ન ઇન્ડિયા પ્રોજેક્ટલિમિટેડ કંપની(રૂ. ૬૦૦ કરોડ) દ્વારા વીન્ડ સોલાર હાઇબ્રીડ પાવર પ્રોજેક્ટસ આવનારા ૩ વર્ષોમાં શરૂ થશે, જેનાથી અંદાજે ૧૭૨૫થી વધુ લોકોને રોજગારી મળવાની સંભાવના છે.