Thu Dec 18 2025

Logo

White Logo

હું થાકી ગયો છું: : બમન ઈરાનીનો બોલીવૂડમાંથી મોહભંગ થયો? સોશિયલ મીડિયા પોસ્ટથી વહેતી થઈ અટકળો

1 week ago
Author: Himanshu Chavda
Video

મુંબઈ: ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પારસી સમાજનું નોંધપાત્ર યોગદાન છે. આજે પણ ઇન્ડસ્ટ્રીમાં ઈરાની અટક ધરાવતા અભિનેતાઓ જોવા મળે છે. બમન ઈરાની પણ આવા જ એક અભિનેતા છે. 2001માં તેમણે 44 વર્ષની ઉંમરે બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. પોતાના 25 વર્ષના ફિલ્મી કરિયરમાં તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, હવે આ અભિનેતાએ એક ચોંકાવનારી વાત કરી છે. જેના પરથી લાગી રહ્યું છે, અભિનેતાનો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી મોહભંગ થઈ ગયો છે.

હું થાકી ગયો છું

બમન ઇરાનીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. જેણે ઇન્ડસ્ટ્રીમાં સૌને ચોંકાવી દીધા છે. બમન ઈરાનીએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને જણાવ્યું કે, "શું તમને એ દિવસ યાદ છે, જ્યારે બધુ 'ડેઝા વૂ' જેવું લાગવા માંડે છે? એ જ ચવાયેલી સ્ટોરી અને અઢળક નાટક. સાચું કહું, તો મને લાગે છે કે હું આખરે મારી હદ પાર કરી ચૂક્યો છું. હું થાકી ગયો છું. કદાચ હવે એ સમય આવી ગયો છે, કે મારો થોડો સમય દૂર ચાલ્યા જવું જોઈએ. કોઈ અફરાતફરી નહીં. કોઈ નાટક નહીં. હું ઠીક છું. બસ, થોડો શ્વાસ લેવાની જરૂર છે. બસ મારા વિચાર...આને વધારે સમજશો નહીં."

પ્રભાસની ફિલ્મમાં જોવા મળશે બમન ઈરાની

2 ડિસેમ્બરના રોજ બમન ઈરાનીનો જન્મદિવસ હતો. આ દિવસે તેમની આગામી ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં બમન ઈરાની નજરે પડ્યા હતા. ફિલ્મના મેકર્સે આ રીતે તેમના જન્મદિવસને ખાસ બનાવ્યો હતો. 'ધ રાજા સાબ' નામની આ ફિલ્મમાં પ્રભાસ લીડ રોલમાં છે. આ એક હોરર-કોમેડી ડ્રામા ફિલ્મ હશે. જે 9 જાન્યુઆરીએ જુદી જુદી 5 ભાષાઓમાં રિલીઝ થશે. 

ઉલ્લેખનીય છે કે, બમન ઈરાનીએ પોતાના ફિલ્મી કરિયરમાં 'મુન્નાભાઈ એમ.બી.બી.એસ.', 'થ્રી ઇડિયટ' જેવી અનેક હીટ ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, બમન ઈરાનીની પોસ્ટ વાંચની ફેન્સ વિચારમાં સરી પડ્યા છે. શું બમન ઈરાની બોલીવૂડમાંથી બ્રેક લેવાના છે? એવો સવાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વહેતો થયો છે.